Tuesday 12 September 2017

ગુજરાતી સાહિત્યના અદભુત શેર* મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ. *- ઓજસ પાલનપુરી* અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે? *- અનિલ ચાવડા* દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું, મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે. *– મરીઝ જીવ હજી તો જભ્ભામાં છે, ફાટી ગઈ છે જાત કબીરા. *- ચંદ્રેશ મકવાણા* તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું. *- રાજેશ વ્યાસ 'મિસ્કીન'* આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી, અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી. *- રાજેશ વ્યાસ 'મિસ્કીન'* આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે. *- રાજેન્દ્ર શુક્લ* હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને, કોક દરવાજો કરી દે બંધ તો! *- ચિનુ મોદી* જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર, પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર? *- મનહર મોદી* પાનખર વીતી છતાં ખરતાં રહે છે પાંદડાને લાગી આવ્યું પાંદડાનું. *- ઉદયન ઠક્કર* શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો! *- અનિલ ચાવડા* કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. *- જલન માતરી* ઘર સુધી તું આવવાની જીદ ન કર, ઘર નથી નહીંતર હું ના પાડું તને? *- ખલીલ ધનતેજવી* મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે. *- મનોજ ખંડેરિયા* ક્રોધ મારો જોઈને ડરશો નહીં, પુષ્પના ડાઘા કદી પડતા નથી. *- ચિનુ મોદી* ભૂલ જો થાય મિત્રોની તો માફ કર, જીભ કચડાય તો દાંત તોડાય નૈં. *- અનિલ ચાવડા* ચિંતા કરવાની મેં છોડી, જેવું પાણી એવી હોડી. *- ભાવેશ ભટ્ટ* સિગારેટને રસ્તા ઉપર આ રીતથી ન ફેંક ભાઈ, આ દેશમાં ચંપલ ઘણાં તળિયેથી કાણા હોય છે. *- ભાવિન ગોપાણી* અફસોસ કેટલાય મને આગવા મળ્યા, ગાલીબને મારા શેર નથી વાંચવા મળ્યા. *- ભરત વીંઝુડા*

No comments:

Post a Comment