Monday, 24 April 2017
અભિપ્રાય... તમે પરસેવે રેબઝેબ છો , ખુબ તરસ લાગી છે પણ ક્યાંય પાણી નથી મળે તેમ , એવામાં તમે એક ઝાડના છાયાંમાં થાક ખાવા ઉભા રહો છો ! ત્યાં જ સામે થી એક મકાનના પહેલા માળની બારી ખુલે છે અને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે. તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને પાણી જોઇએ છે? તેવો ઇશારો કરે છે. હાલ તમને એ વ્યક્તિ કેવો લાગે ? આ તમારો પહેલો અભિપ્રાય છે તે વ્યક્તિ નીચે આવવાનો ઇશારો કરીને બારી બંધ કરે છે . 15 મિનિટ થવા છતાંય નીચેનો દરવાજો નથી ખુલતો. હવે તે વ્યક્તિ પ્રત્યે તમારો અભિપ્રાય શો? આ તમારો બીજો અભિપ્રાય છે . થોડીવાર પછી દરવાજો ખુલે અને તે વ્યક્તિ એમ કહે કે " મને વિલંબ થવા માટે માફ કરજો , પણ તમારી હાલત જોઇને મને પાણી કરતાં લીંબુનું સરબત આપવું યોગ્ય લાગ્યું માટે થોડી વધુ વાર લાગી." હવે તે વ્યક્તિ વિષે તમારો અભિપ્રાય શો? યાદ રાખજો કે હજુ તો પાણી કે શરબત કાંઇ મલ્યું નથી ને તમારો ત્રીજો અભિપ્રાય મનમાં જ રાખો. હવે જેવું તમે સરબત જીભને લગાવો છો ત્યાં જ તમને ખ્યાલ આવે કે તેમાં ખાંડ જરા પણ નથી ! હવે તે વ્યક્તિ તમને કેવો લાગે? એક સામાન્ય પ્રસંગ માં પણ જો આપણો અભિપ્રાય આટ્લો ખોખલો અને સતત બદલાતો હોય તો આપણે કોઇનો પણ અભિપ્રાય આપવાને લાયક સમજવા જોઈએ કે નહી? હકીકતે દુનિયામાં એટલું સમજાણું કે જો તમારી અપેક્ષાના ચોખટામાં બંધ્બેસતું વર્તન સામેની વ્યક્તિ કરે તો તે સારી, નહીં તો તે ખરાબ. એક વાત લઈ થોડું વિચારીએ... એક કલાકાર હતો. રોજ નાટકમાં કામ કરે. એક દિવસ એક વ્યક્તિએ તેને પૂછયું કે નાટકમાંથી તમે તમારી જિંદગીમાં શું શીખ્યા? નાટકના એ કલાકારે સરસ વાત કરી. તેણે કહ્યું કે, નાટકમાંથી એક જ વસ્તુ હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે ...! આપણે કંઈ છોડતાં નથી એટલે જ દુઃખી થઈએ છીએ. આપણને ઘણી વખત ખબર જ નથી પડતી કે આપણો રોલ ક્યાં પૂરો થાય છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment