Wednesday, 20 September 2017

ગુજરાતી સાહિત્યના અદભુત શેર* સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ. *- અનિલ ચાવડા* શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર? કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. *- જલન માતરી* બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ. *- મરીઝ* જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. *- મરીઝ* કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ? કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ? *- ઉદયન ઠક્કર* હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, પગરખાં નહીં બસ અભરખા ઉતારો. *- ગૌરાંગ ઠાકર* જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ, એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ. *- રાજેન્દ્ર શુક્લ* તમને સમય નથી અને મારો સમય નથી, કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી. *- બાપુભાઈ ગઢવી* રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી, હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. *- બરકત વિરાણી ‘બેફામ’* તફાવત એ જ છે,તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું *- અમૃત ઘાયલ* જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી, બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં. *- સૅફ પાલનપુરી* તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે. *– શયદા* વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. *- આદિલ મન્સૂરી* બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. *- મરીઝ* જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે. *- મરીઝ* સમયની શોધ થઈ તેની આગલી સાંજે મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને? *- મુકુલ ચોક્સી* હસ્તરેખા જોઈને સૂરજની કૂકડાએ કહ્યું, આપના પ્રારબ્ધમાં બહુ ચડ-ઉતર દેખાય છે. *- ઉદયન ઠક્કર* મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’, હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે. *– મરીઝ*

No comments:

Post a Comment