Friday, 2 June 2017
એકવાર વાચશો તો લગ્ન જીવન નુ મહત્વ ખબર પડી જશે.....વાંચજો જ Title "ચાન્સ" ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. આટલાં વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિસાસો નંખાઈ ગયો. એ ઊભી થઈ. બારી પાસે જઈને બહાર જોયું. આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યાં હતાં. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું. લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતાં એ એને યાદ આવી ગયું. બંને એકબીજામાં કેવા ગૂંથાઈને રહેતાં અને એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. એકબીજા સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી. એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી. ચાર જ વરસમાં એમની જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી. એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. જૂના દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાશ ! એના પતિને એમની આજે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ અત્યારે, આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું ?……. બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી. એને આ ચમત્કાર જેવું લાગ્યું. એણે બારણું ખોલ્યું. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં એનો પતિ જ ઊભો હતો ! બે ઘડી તો એ માની જ નહોતી શકતી કે જે એ જોઈ રહી હતી એ સાચું હતું ! બારણામાં ખરેખર એનો પતિ ઊભો હતો ! આખી ઘટના બની જ એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર જેવી જ લાગતી હતી. એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઊભેલી જોતાં એનો પતિ બોલ્યો, ‘ઓ ! માય ડિયર ! અરે વહાલી ! મને તારે માફ કરી દેવો પડશે. હું સાવ ભૂલી ગયો હતો કે આજે આપણી એનિવર્સરી છે ! યાદ આવતાં જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફટ લાવવાનું શક્ય ન બન્યું. પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે. આપણે હમણાં જ કોઈ સારી હોટેલમાં જઈશું. ત્યાં શેમ્પેઈન અને બેસ્ટ કેક સાથે આપણે બે જણ પહેલાંની માફક જ એનિવર્સરી ઊજવશું ! બધું જ ભૂલીને ! બોલ, તું શું કહે છે ?’ આનંદથી ઘેલી થઈ ગયેલી પેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી. એ યુવતીએ ડ્રોઈંગરૂમના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને ‘હેલો !’ કહ્યું. ‘મેમ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું નજીકના પોલીસ-સ્ટેશનથી બોલું છું. શું આપ મિસિસ ફલાણા બોલો છો ? મિસ્ટર ફલાણાંના પત્ની ?’ ‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ એ યુવતીએ જવાબ આપતાં પૂછ્યું. ‘મેમ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારા પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે. ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે. આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે, કારણ કે તમે મૃતદેહની ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી જશો તો સારું રહેશે !’ પોલીસ અધિકારીએ કહ્યું. ‘પરંતુ….! પરંતુ….. મારા પતિ તો અહીંયા છે. મારી સાથે ! મારા ઘરમાં જ છે ! તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને ?’ થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતાં એ યુવતી બોલી. ‘સૉરી મેમ ! હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે પોલિસ-સ્ટેશન તો આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે. એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું, નહીંતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે ક્યા પોલિસ-સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો. યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ. મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું. રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે !મારી બધી ભુલો ની માફી માગી લઇશ. મારો પતિ જ મારૂ સર્વસ્વ છે અને એ જ મારો જીવ છે. જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે ! આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું. ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ- એક તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ. બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો. હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો ! સૉરી ડિયર ! બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’ પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ ! બેક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી ! એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા ! આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં ! આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ? નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ. (ડો.વીજળીવાળાના પુસ્તકની એક વાર્તા)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment