Sunday, 11 June 2017

હાસ્યલેખક જગદીશ ત્રિવેદી ના પુત્ર "મૌલિક ત્રિવેદી" નો અનુભવ તેના જ શબ્દોમાં વાંચીએ - . આજે એક મહિનો પૂરો થયો કૅનેડામાં. મારા પપ્પાના લીધે મારે નાની ઉંમરમાં ઘણા દેશોમાં ફરવાનું થયું છે પણ આ અનુભવ કંઈક જુદો જ છે. એક મહિના દરમિયાન મેં રસ્તામાં એક પણ વખત હોર્ન સાંભળ્યો નથી. આપણે ત્યાં માત્ર રોલો પાડવા માટે જોર જોરથી હોર્ન વગાડીને વાહન ચલાવતા યુવાનોનો તૂટો નથી. રિક્ષાવાળા પણ જાણે બાપનો રસ્તો હોય એમ ખરા તડકે મોટેથી ટેપ વગાડીને લોકોની ઊંઘ ખરાબ કરતા હોય છે. અહીંયા રાતે ૧૨ વાગે પણ લાલ સિગ્નલ જોઈ ગાડીમાં જતો માણસ ઉભો રહી જાય છે. અડધી રાતે પણ એને સિગ્નલ તોડી જતા રહેવાનો વિચાર આવતો નથી. કેનેડામાં એક મહિના દરમિયાન એક પણ મંદિરમાંથી આરતીનો અવાજ સાંભળ્યો નથી. એક પણ મસ્જિદની બાંગ સાંભળી સવારે મારી ઊંઘ ઉડી નથી. કોઈ ધર્મનો વિરોધ નથી પરંતુ બીજા લોકોને ખલેલ પહોંચે એ રીતે પ્રાર્થના કે નમાજ પઢવાનો કોઈ જ મતલબ નથી. આપણા કરતા અહીં વધુ સારી રીતે નવરાત્રી થાય છે પણ એ ઇન્ડોર હોય છે જેથી ગોરા લોકોને જરાય ડિસ્ટર્બ થતું નથી. નવા વર્ષે ફટાકડા પણ ફોડે છે પણ એ હવામાનને જરાય પ્રદુષિત કરતા નથી. કાન ફાટી જાય એવા બેન્ડબાજા વગાડી રોડ ઉપર નાચવાનો અહીંયા કોઈને ગાંડો શોખ નથી. સ્ત્રીઓ ભલે બિકીની પહેરી બીચ ઉપર સનબાથ લેતી હોય પરંતુ રોડ ઉપર ટ્રાફિક જામ કરી પેટ દેખાતું હોય એ રીતે નાચવાનો અહીંયાની સુધરેલી સ્ત્રીઓને પણ જરાય શોખ નથી. પોલીસને લાંચ આપવાની વાત તો દૂર રહી પરંતુ લાંચ આપવાનો વિચાર કરવા જેટલી શક્તિ પણ અહીંની પ્રજા ગુમાવી ચૂકી છે. પશ્ચિમમાં પ્રજા પોલીસથી ડરે છે અને ભારતમાં પોલીસ પ્રજાથી ડરે છે. "Rules are made to be broken" આવી હોશિયારી લઈને ભારતમાં ફરતા યુવાનો જયારે પશ્ચિમમાં આવે ત્યારે ડગલે ને પગલે નિયમોને અનુસરતા હોય છે. એનું મુખ્ય કારણ અહીંયાનો કડક કાયદો છે. દારૂ પીવાની છૂટ છે. તમે માંગો એ બ્રાન્ડનો દારૂ અહીંયા મળશે. છતાં રસ્તા ઉપર દારૂ પીને ધમાલ કરતો કોઈ માણસ તમને જોવા નહિ મળે. બળાત્કાર નામનો શબ્દ તો પશ્ચિમના લોકોની ડીકશનરીમાં જ નથી. અને એટલે જ યુવતીઓ કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે એકલી જઇ શકે છે. દીકરા જેટલું જ માન-સન્માન દીકરીને પણ અપાય છે. જેથી કોઈ ભૃણહત્યા કરતું નથી. દીકરીના વધુ પડતા વખાણ કરી પુત્રવધુ સાથે કોઈ અન્યાય પણ કરતું નથી. આખી દુનિયામાં સૌથી વધુ માતાજી હિન્દુસ્તાનમાં પૂજાય છે અને છતાં દુઃખની વાત એ છે કે સૌથી વધુ બળાત્કાર પણ ભારતમાં જ થાય છે. પશ્ચિમના એક પણ દેશમાં તમને વૃદ્ધાશ્રમ જોવા નહિ મળે. અહીંયા ગૌશાળા માટે રાજકારણ રમાતું નથી, ફાળો ઉઘરાવવા ડાયરા થતા નથી અને છતાં ભારત કરતા અહીં ગાયની અને વડીલોની પરિસ્થિતિ વધુ સારી છે. ઉપર જે જે વસ્તુ લખી છે એ તમામ સામાન્ય નાગરિકને સીધી લાગુ પડે છે. આપણે રોજે આ પરિસ્થિતિનો સામનો કરવાનો હોય છે. એટલે સૌથી પેલા એ બધી વસ્તુમાં સુધારો આવશે તો જ કોમન મેન સુખી થશે. અને એના માટે દરેક નાગરિકે પોતાની ફરજ નિભાવવાની જરૂર છે. અહીંયા સ્વચ્છતા જાળવવા માટે અભિયાન નથી ચલાવવા પડતા એનું કારણ અહીં લોકો દેશ પ્રત્યે પોતાની જવાબદારી સમજે છે. આપણે ભારતમાં દેશભક્તિ ફેસબૂક અને વોટ્સએપ પૂરતી જ સીમિત રહી ગઈ છે. આપણી સંસ્કૃતિનું ગૌરવ હોવું જ જોઇએ પરંતુ એનો મતલબ એવો નથી કે બીજી સંસ્કૃતિ ખરાબ છે. દરેક સંસ્કૃતિમાં જે વસ્તુ સારી હોય એને સ્વીકારી અને અનુસરવાની કોશિશ કરવી જોઇએ. જેથી આપણો દેશ જેટલો સારો છે એના કરતા પણ હજુ વધારે સારો, સ્વચ્છ અને શાંતિપૂર્ણ બની શકે. ~ મૌલિક જગદીશ ત્રિવેદી

No comments:

Post a Comment