Saturday, 12 November 2016
જરુર વાંચો ખુબજ અગત્યની વાત છે - રૂ. 500 અને 1000ની નોટ અમાન્ય થયા બાદ વાચકમિત્રોના મનમાં ઢગલાબંધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, પરંતુ તેના અધિકૃત જવાબ મેળવવા મુશ્કેલ બની રહ્યા છે. ત્યારે નવગુજરાત સમય દ્વારા તૈયાર કરાયેલા ‘ફ્રિક્વન્ટ્લી આસ્ક્ડ ક્વેશ્ચન્સ’ના ગુજરાતના પ્રસિદ્ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ICAIના પૂર્વ ચેરમેન જૈનિક વકીલ દ્વારા શક્ય તેટલા સચોટ જવાબો આપવામાં આવ્યા છે. પ્ર: જો માત્ર પતિ જ કમાનાર વ્યક્તિ હોય તો પતિ-પત્ની પોતાના વ્યક્તિગત બેન્ક ખાતામાં કેટલી રકમ જમા કરાવી શકે? જ: માર્ગદર્શિકા મુજબ, પત્ની મહત્તમ રુ.2.50 લાખ સુધી જમા કરાવી શકે. અર્નિંગ પર્સન તરીકે પતિ જો બીજી રોકડ જમા કરાવે તો ચાલુ વર્ષની આવકમાં ઉમેરાઇ જાય. પ્ર: જો રુ.2.50 લાખ કરતાં વધુ રકમ હોય અને તે જમા કરાવવામાં આવે, તો આવકવેરાની નોટિસ મળવાની સંભાવના કેટલી? જ: જો 2.50 લાખથી વધુ 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન ભર્યા હોય અને આવકમાં મિસમેચ હોય તો નોટિસ મળી શકે. પ્ર: પાંચ સભ્ય ધરાવતા પરિવારમાં તમામના વ્યક્તિગત બેન્ક ખાતાં હોય તો તેઓ કુલ કેટલી રકમ જમા કરાવી શકે? જ: કમાનાર વ્યક્તિ સિવાય તમામ રુ.2.50 લાખ સુધી જમા કરાવે તો સરકારી ખુલાસા મુજબ કોઇ પૂછપરછની શક્યતા નથી. પ્ર: એક વ્યક્તિના અલગ-અલગ બેન્કમાં ખાતા હોય તો તમામમાં રુ.2.50 લાખ ભરી શકાય? જ: 30 ડિસેમ્બર સુધીમાં વ્યક્તિ દીઠ કુલ રકમ રુ.2.50 લાખ જમા કરાવી શકાશે તે બાબત ધ્યાનમાં રાખવી. પ્ર: કાળા નાણાં દ્વારા સોનું ખરીદ્યું છે તેમને ઝડપી લેવા સરકાર માટે શક્ય છે? જ: જો જ્વેલરે પાન નંબર વગર વેચાણ કર્યું છે તો તેમના પર તવાઇ આવશે. જેમણે પણ પાન નંબર આપીને સોનું ખરીદ્યું છે તેમના નાણાં કાયદેસર છે કે નહીં તે ચકાસવામાં આવે તેવી પૂરી શક્યતા છે. પ્ર: જે બચત હાલમાં બેન્કમાં જમા કરાવવામાં આવે તેને રિટર્નમાં કઇ રીતે દર્શાવી શકાય? જ: જેની પૂરાંત હોય, અગાઉ ઉપાડ્યા હોય તે રકમ જમા કરાવવામાં આવે તો ચિંતા નથી. જો વધારે રકમ જમા કરાવી હોય તો સોર્સ બતાવવો પડશે અને તે આવક ચાલુ વર્ષમાં ગણાશે. પ્ર: અનેક સામાન્ય લોકોએ મકાન ખરીદવા માટે નોંધપાત્ર બચત કરી છે, તેઓ કઇ રીતે તે રકમ જમા કરાવી શકે? જ: જો કેશ વિડ્રોઅલ દ્વારા ઉપાડેલા હશે તેઓ તમામ નાણાં ભરી શકશે, રિટર્નમાં બતાવેલા હશે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. તે સિવાયની રકમ હોય તો તેનો સોર્સ બતાવવો પડશે. પ્ર: સિનિયર સિટિઝન કેટેગરીના કરદાતા જો પોતાના ખાતામાં રુ.2.50 લાખથી વધુ રકમ જમા કરાવે તો આવકવેરા વિભાગની નોટિસનો સામનો કરવો પડી શકે? જ: વરિષ્ઠ નાગરિકોને રુ.3 લાખ સુધી આવકવેરાની છૂટ હોય છે, પરંતુ નોટો રદ થયા બાદની સ્થિતિમાં સરકારી ખુલાસો તમામ માટે એક જ રુ.2.50 લાખ જ છે. પ્ર: ધંધાદારી લોકોએ 8 નવેમ્બર સુધીના બિલ બનાવ્યા હોય અને કેશ આવી હોય તેનું શું કરવું? જ: બિલ પર વેચાણથી આવેલી કેશ ઓન હેન્ડ જમા કરાવવામાં કોઇ ચિંતા નથી. પ્ર: કોઈ વ્યક્તિ પાસે જે પૂરાંત હોય તે એક સાથે ભરવી જરૂરી છે? જ: એ રકમ 30 ડિસેમ્બર સુધીમાં ગમે તેટલા ઇન્સ્ટોલમેન્ટમાં ભરો તો પણ વાંધો નહીં આવે. પ્ર: જે પણ રોકડ ભરવામાં આવે તે આવકવેરા વિભાગમાં લિન્ક થઇ જશે? જ: જે ખાતામાં રુ.2.50 લાખથી વધારે જમા થશે તેના પર જ નજર રખાશે. પ્ર: જેમનું બેન્ક એકાઉન્ટ જ ના હોય તેમણે શું કરવું? જ: તેઓ નવું ખાતું ખોલાવીને રોકડ જમા કરાવી શકે છે. પાન કાર્ડ વગર નો-ફ્રીલ એકાઉન્ટ ખોલીને રકમ જમા કરાવી શકાય છે પરંતુ જો જમા કરાવેલી રકમ રુ.50,000થી વધુ થાય તો પાન નંબર આપીને જ ઉપાડી શકાશે. પ્ર: ધાર્મિક ટ્રસ્ટમાં દાનપેટી દ્વારા નાણાં વ્હાઇટ કરવા કેટલાક લોકો વિચારી રહ્યા છે તે શક્ય છે? જ: ગઇ સાલના ભંડારની જે આવક હોય તેને સમકક્ષ હોવી જોઇએ. જો તેમાં મોટી વધઘટ હોય તો વિભાગ તપાસ કરી શકે છે. પ્ર: લોકર સિલ કરવાની ચર્ચા ચાલી રહી છે તેમાં તથ્ય કેટલું? જ: લોકર સિલ થવાની શક્યતા નથી. પ્ર: જો કોઇએ દિવાળી પર પ્રોપર્ટીનો સોદો કરીને બાના પેટે રોકડ રુ.500 અને રુ.1000ની નોટો દ્વારા મેળવ્યા હોય તો એ રકમનું શું કરવું? જ: એ રૂપિયા પર આવકવેરાની જોગવાઇ મુજબ ફ્લેટ 30 ટકા ટેક્સ ભરવો પડશે અને તેમ છતાં કદાચ સેક્શન 270 (એ) હેઠળ પેનલ્ટી લાગવાની શક્યતા છે. (ડિસ્ક્લેઇમર: આ તમામ જવાબો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આદર્શ જવાબો છે, છતાં પણ દરેકે પોતાના નાણાંકીય ટ્રેક રેકોર્ડના આધારે પોતાના કન્સલ્ટન્ટની સલાહ લેવી જરૂરી છે.)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment